પ્રારંભિક ખ્રિસ્તીઓ પાસે જેવું ઊંડાણ કે સમર્પણ અથવા સામર્થ્ય હતું તે આજના મોટાભાગના વિશ્વાસીઓમાં હોય તેવું લાગતું નથી.
તમને એનું શું કારણ લાગે છે?
પ્રાથમિક કારણ એ છે કે તેઓએ યોગ્ય રીતે પસ્તાવો કર્યો નથી.
ઈસુએ પોતે જે સંદેશનો ઉપદેશ આપ્યો તે હતો: "પસ્તાવો કરો અને સુવાર્તા પર વિશ્વાસ કરો" (માર્ક 1:15). તેમણે તેમના પ્રેરિતોને આ જ સંદેશાનો પ્રચાર કરવાની આજ્ઞા આપી (લૂક 24:47). અને તેઓએ તેમ જ કર્યું (પ્રેરિતોનાં કૃત્યો 20:21).
ઈશ્વરનું વચન આ અંગે ખૂબ જ સ્પષ્ટ છે. જો તમે સારા અને ખરા અર્થમાં રૂપાંતરિત થવા માંગતા હોવ તો પસ્તાવો અને વિશ્વાસને અલગ કરી શકતા નથી. ઈશ્વરે આ બંનેને એક સાથે જોડ્યા છે. અને ઈશ્વરે જે જોડ્યું છે તેને કોઈ માણસે અલગ ન કરવું જોઈએ.
પસ્તાવો અને વિશ્વાસ એ ખરેખર ખ્રિસ્તી જીવનના પાયાના પ્રથમ બે ઘટકો છે (હિબ્રૂઓને પત્ર 6:1). જો તમે યોગ્ય રીતે પસ્તાવો કર્યો નથી, તો તમારા પાયામાં ખામી હશે. અને પછી, અલબત્ત, તમારું સમગ્ર ખ્રિસ્તી જીવન અસ્થિર હશે.
આપણે બાઈબલમાં એવા કેટલાક ઉદાહરણો જોઈએ છીએ જેમનો પસ્તાવો ખોટો હતો.
જ્યારે શાઉલે રાજાએ ઈશ્વરની આજ્ઞા તોડી, ત્યારે તેણે શમુએલ સમક્ષ કબૂલ્યું કે તેણે પાપ કર્યું છે. પરંતુ લોકો તે જાણે એવું તે ઈચ્છતો નહોતો. તે હજી પણ માણસ તરફથી સન્માન ઈચ્છતો હતો. તેણે ખરેખર પસ્તાવો કર્યો ન હતો. તેને ફક્ત અફસોસ હતો કે તે પકડાઈ ગયો (1 શમુએલ 15:24-30). શાઉલ રાજા અને દાઉદ રાજા વચ્ચે આ તફાવત હતો. દાઉદ જ્યારે પાપમાં પડ્યો ત્યારે તેણે તેના પાપનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો (ગીતશાસ્ત્ર 51).
આહાબ રાજા શાઉલ જેવો હતો. જ્યારે એલિયાએ તેને ચેતવણી આપી કે ઈશ્વર તેનો ન્યાય કરશે ત્યારે તે પોતાના માટે ખરેખર દિલગીર થયો. તેણે ટાટ પહેર્યું અને પોતાના પાપો માટે શોક કર્યો (1 રાજાઓ 21:27-29). પરંતુ તેણે ખરેખર પસ્તાવો કર્યો ન હતો. તે ફક્ત ઈશ્વરના ન્યાયચુકાદાથી ડરતો હતો.
યહૂદા ઈશ્કારિયોતનો કિસ્સો ખોટા પસ્તાવાનું સ્પષ્ટ ઉદાહરણ છે. જ્યારે તેણે જોયું કે ઈસુને મૃત્યુદંડની સજા કરવામાં આવી છે ત્યારે તેને ખરાબ લાગ્યું અને કહ્યું, "મેં પાપ કર્યું છે" (માથ્થી 27:3-5). પરંતુ તેણે યાજકો સમક્ષ તેની કબૂલાત કરી હતી - જેમ કેટલાક આજે પણ કરે છે! તેણે પસ્તાવો કર્યો ન હતો - ભલે તેણે જે કર્યું તેના વિશે તેને દુઃખ થયું હશે. જો તેણે ખરેખર પસ્તાવો કર્યો હોત, તો તે ભંગીત સ્થિતિમાં ઈશ્વર પાસે ગયો હોત અને ક્ષમા માંગી હોત. પણ તેણે એવું કર્યું નહિ.
આ ઉદાહરણોમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ - પસ્તાવો શું નથી!
ખરો પસ્તાવો એ "મૂર્તિઓ તરફથી ઈશ્વર તરફ વળવું" છે (થેસ્સાલોનીકીઓને પહેલો પત્ર 1:9).
મૂર્તિઓ માત્ર વિધર્મી મંદિરોમાં જોવા મળતી લાકડા અને પથ્થરની મૂર્તિઓ નથી. પણ એટલી જ ખતરનાક એવી મૂર્તિઓ છે જેની લોકો પૂજા કરે છે પણ જે એટલી ખરાબ લાગતી નથી. આ આનંદ, આરામ, પૈસા, વ્યક્તિની પ્રતિષ્ઠા, પોતાની ઈચ્છા પ્રમાણે થવું વગેરેની મૂર્તિઓ છે.
આપણે બધા ઘણા વર્ષોથી આની પૂજા કરીએ છીએ. પસ્તાવો કરવાનો અર્થ એ છે કે આ મૂર્તિઓની પૂજા કરવાનું બંધ કરવું, અને ઈશ્વર તરફ વળવું.
ખરો પસ્તાવો આપણું આખું વ્યક્તિત્વ - આપણું મન, આપણી લાગણીઓ અને આપણી ઈચ્છાનો સમાવેશ કરશે.
સૌ પ્રથમ, પસ્તાવાનો અર્થ એ છે કે આપણે પાપ અને જગત વિશે આપણું મન બદલીએ છીએ. આપણને ખ્યાલ આવે છે કે આપણા પાપે આપણને ઈશ્વરથી અલગ કરી દીધા છે. આપણે એ પણ જોઈએ છીએ કે આ જગતની જીંદગી જીવવાની રીત જ ઈશ્વર વિરોધી છે અને આપણે એ ઈશ્વરને-અપમાનકારક જીવનશૈલીથી દૂર જવા માંગીએ છીએ.
બીજું, પસ્તાવામાં આપણી લાગણીઓનો સમાવેશ થાય છે. આપણે જે રીતે જીવ્યા તેના વિશે આપણને દુઃખ થાય છે (કરિંથીઓને બીજો પત્ર 7:10). આપણને આપણા ભૂતકાળના કાર્યો માટે આપણી જાત પર ધિક્કાર થાય છે; અને તેનાથી પણ વધુ, આપણે આપણી અંદર જે મોટી દુષ્ટતા જોઈએ છીએ, જે બીજું કોઈ જોઈ શકતું નથી તેને આપણે ધિક્કારીએ છીએ (હઝકિયેલ 36:31).
આપણે રડીએ છીએ અને શોક કરીએ છીએ કે આપણે જે રીતે જીવ્યા તેનાથી ઈશ્વરને ઘણું દુઃખ થયું છે. બાઈબલમાં ઘણા મહાન પુરુષોની આવી પ્રતિક્રિયા હતી જ્યારે તેઓને તેમના પાપોની જાણ થઈ. દાઉદ (ગીતશાસ્ત્ર 51), અયૂબ (અયૂબ 42:6) અને પિતર (માથ્થી 26:75) - જ્યારે તેઓએ તેમના પાપોનો પસ્તાવો કર્યો ત્યારે તેઓ બધા ખૂબ રડ્યા.
ઈસુ અને પ્રેરિતો બંનેએ આપણને આપણા પાપો માટે રડવા અને શોક કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે (માથ્થી 5:4; યાકૂબનો પત્ર 4:9). તે ઈશ્વર તરફ પાછા ફરવાનો માર્ગ છે.
છેવટે, પસ્તાવામાં આપણી ઈચ્છાનો સમાવેશ થાય છે. આપણે આપણી હઠીલી સ્વ-ઈચ્છાને - 'પોતાની રીતે થવું જોઈએ' – છોડીને ઈસુને આપણા જીવનના પ્રભુ બનાવવા પડશે. તેનો અર્થ એ છે કે આપણે હવેથી ઈશ્વર જે પણ કરવા માંગે છે તે કરવા તૈયાર થઈએ છીએ, પછી ગમે તેટલી કિંમત કેમ ન ચૂકવવી પડે અને તે ગમે તેટલું અપમાનજનક કેમ ન હોય.
ઉડાઉ દીકરો તેના પિતા પાસે ભંગીત અને તેના પિતા તેને જે કહે તે કંઈપણ કરવા તૈયાર યુવાન તરીકે પાછો આવ્યો હતો. તે ખરો પસ્તાવો છે (લૂક 15:11-24).
આપણે કરેલા દરેક પાપને ઈશ્વર સમક્ષ કબૂલ કરવાની જરૂર નથી. તે બધાને કોઈ પણ સંજોગોમાં યાદ રાખવું અશક્ય હશે. ઉડાઉ દીકરાએ એવું કર્યું નહિ. તેણે એટલું જ કહ્યું, "પિતા, મેં પાપ કર્યું છે." અને આપણે પણ એટલું જ કહેવાની જરૂર છે.
પરંતુ યાદ રાખો કે યહૂદા ઈશ્કારિયોતે પણ કહ્યું હતું કે, "મેં પાપ કર્યું છે." જો કે, તેની કબૂલાત અને ઉડાઉ દીકરાની કબૂલાત વચ્ચે ખુબ મોટો તફાવત હતો. ઈશ્વર ફક્ત આપણે જે શબ્દો બોલીએ છીએ તે જ સાંભળતા નથી. તે શબ્દો પાછળની ભાવનાને સમજે છે, અને તે મુજબ આપણી સાથે વ્યવહાર કરે છે.